સરેઆમ લોકોના દંભને જોઈને થયા કરે કે આ લોકો કેટલી સરળતાથી ખોટું બોલી શકે છે ! આંખોમાં તો સત્ય દેખાઈ આવે એ સત્ય પણ મોટું અસત્ય છે. માણસો બડી શિફતથી આંખોથી પણ અસત્ય બોલી શકે છે. માણસના જૂઠને પકડવું કેમ એ કોયડો દિન - પ્રતિદિન વધુ પેચીદો થતો જાય છે.
કોઈ માણસ જેવો છે એવો રહેવા તૈયાર નથી. એને કા તો સામેવાળા જેવું થવું છે અથવા તો એને સામે પાર જવું છે. માણસને જાણે 'હું વધુ હોંશિયાર છું ' વાળી રેસમાં સતત,સતત અને સતત પેશ થયા કરવું છે. ઠીક છે આ એની ફેવરિટ ગેમ હશે.
માણસને સૌથી વધુ થાક આપતી બાબત છે એની અસહજતા, એનો દંભ.
એવામાં મરો થાય છે ઓલા સચેતન નાજુક માણસનો જેને નથી પ્રસિદ્ધ થવું કે નથી કશું સિદ્ધ કરવું. એને નથી છવાઈ જવું કે નથી કોઈના હર્દયમાં વવાઈ જવું. એને એ જેમ છે એમ રહીને પોતાની હયાતીનું ગુજરાન ચલાવવું છે. એની મુરાદ રઈશ થવાની નથી,ખરું કહુ....રિસાઈ જવાની છે. એને કોઈની સામે વિદ્વતા સાબિત નથી કરવી,એની ઝંખના છે કોઈ એના રિસામણાને મનાવે. એને પાર્ટી નથી જોઇતી, એને કોઈની પનાહમાં બે ઘડી સમાઈ જવું છે.
એની ખેવનામાં ખેલ નથી,એના મનમાં મેલ નથી,એના આવકારમાં અપેક્ષાઓના સળિયાઓની જેલ નથી. કિન્તુ એ સરળ છે માટે એ ફેઇલ છે. સરળ લોકોનો આ જમાનો નથી એવી ખોટી અફવા નહીં ફેલાવું પણ હા, એટલું નક્કી છે કે સરળ રહેવું એ સહન કરવાનો પર્યાય છે. અને આ આખી વાતમાં સૌથી મજાની વાત એ છે કે દરેકને એમ લાગે છે એ પોતે સરળ અને સહજ છે. દરેકને એમ લાગે છે કે એ સહન કરે છે.
માણસ જૂઠું સ્મિત કરી શકે છે.
માણસ જૂઠી રીતે આંખો ભીની કરી શકે છે.
માણસ જૂઠી વાણી વહાવી શકે છે.
માણસ જુઠો પ્રેમ જૂઠી રીતે દર્શાવી શકે છે.
માણસ જૂઠા જાપ જપી શકે છે.
માણસ જૂઠ જીવી પણ શકે છે.
આજકાલનો માણસ સહજ રહેવા સિવાય કાંઈપણ કરી શકે છે. તમારા થાક વિશે ક્યારેક હિસાબ કરજો. જવાબ અસહજતા આવશે.